ભાજપ ગૌરવ મહાસંપર્ક યાત્રાની શરુઆત, અમિત શાહે નારણપુરામાંથી કરાવ્યો પ્રારંભ

836
guj8112017-5.jpg

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ૧પ૦ સીટ મેળવવાના ટાર્ગેટ સાથે આજે ભાજપે દબાદબાભેર ગૌરવ મહાસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જેનો પ્રારંભ નારણપુરા મત વિસ્તારથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓની સાથે કરાવ્યો હતો. રાજ્યભરમાં શરૂ થયેલા આ અભિયાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના વોર્ડ નં. ૧ અને ૩માં પદયાત્રાથી પ્રારંભ કરાવ્યો હતો તો બીજી તરફ ઘાટલોડિયામાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે યાત્રા અભિયાન શરૂ કર્યું હતું.
આજે નારણપુરા વિસ્તારથી ઢોલ નગારાં, મહાઆરતી અને સ્કૂટર રેલી સાથે કાર્યકર્તાઓ સાથે આ અભિયાનને અમિત શાહે લીલીઝંડી આપી હતી. ત્યારે ઢોલ-નગારા અને ગુજરાતી પ્રારંપારિક પૌષાક સાથે આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો. યુવા મોરચાના સભ્યોએ માનવ સાંકળ રચીને અમિત શાહનું સ્વાગત કર્યું હતું. પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવે યાત્રાનો આરંભ નિકોલથી કરાવ્યો હતો ત્યારે કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં આજે શાળાના બાળકોને પણ ભાજપની ટોપી પહેરાવીને જોડવામાં આવ્યા હતા. માતા કી જય, વંદે માતરમના નારા સાથે દરેક જગ્યાએ વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. ભાજપના નેતાઓ હવે ઘરે ઘરે જઇને વોટ માગશે. સાથે સાથે દરેકને વડા પ્રધાન મોદીનો એક પત્ર અને સરકારના વિકાસલક્ષી કાર્યોની પુસ્તિકા આપશે. ૬ દિવસીય અભિયાનમાં ભાજપના દિગ્ગજો, કેન્દ્રીય પ્રધાનો, રાજ્યના પ્રધાનો આગેવાનો સહિત કાર્યકર્તાઓ જોડાશે અને પ૦ હજાર બૂથ સુધી પહોંચશે.
રાહુલ ગાંધી ગુજરાતના મત વિસ્તાર ધમરોળી રહ્યા છે ત્યારે ભાજપ પણ ૧પ૦થી વધુ બેઠકોના ટાર્ગેટ સાથે પ્રચાર કાર્યમાં લાગી ગયું છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અત્યાર સુધી ૭ર વિધાનસભામાં ૧૬ જિલ્લાનો પ્રવાસ પૂરો કર્યો છે. ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન કેન્દ્રીય પ્રધાનો રવિશંકરપ્રસાદ, રામવિલાસ પાસવાન, પૂનમ મહાજન, કિરણ ખેર, નરેન્દ્રસિંહ તોમર, પરષોત્તમ રૂપાલા, જશવંત ભાભોર, હરિભાઇ ચૌધરી,  મનસુખ માંડવિયા, હંસરાજ આહિર, અર્જુન મેઘવાલ, નિર્મલા સીતારામન, સ્મૃતિ ઇરાની, વી.કે.સિંહ, થાવરચંદ ગહેલોત, પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા સહિતના નેતાઓ જોડાઈ રહ્યા છે.. વડા પ્રધાન મોદીના પત્રમાં અપીલ કરાઈ છે કે જાતિવાદ નહીં, વિકાસવાદને વધાવીએ. કોમવાદ નહીં વિકાસવાદથી રાજ્યને મજબૂત બનાવીએ. વંશવાદથી નહીં વિકાસવાદથી સામાજિક ન્યાયને ગુજરાતમાં બળ આપીએ.
પરિવારવાદથી નહીં વિકાસવાદથી દેશઅને પ્રદેશના ગરીબો માટે સમર્પિત થઈએ. આવો ગુજરાતમાં ફરી એકવાર પાંચ વર્ષ માટે કમળના બટન પર મતદાન કરીએ અને ભાજપ સરકારને વિકાસ માટે ભવ્ય વિજય અપાવીએ.
આણંદમાં પણ ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મહાસંપર્ક અભિયાનમાં ભાજપ મહિલા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ જ્યોતીબહેન પંડ્યા જોડાયા હતા અને આણંદની જનતા સાથે સીધો સંપર્ક કરી ભાજપે કરેલા કામો અંગે લોકોને જાણકારી આપી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
તો આ તરફ સુરતમાં પણ ભાજપનું ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતના ઉધના વિધાનસભા મત વિસ્તારમાં મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ થયો. જેમા મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર હાજર રહ્યાં હતાં. ભાજપના નેતાઓએ અભિયાન અંતર્ગત મતદારોના સાથે લોકસંપર્ક કરી રહ્યાં છે. રાજ્યમાં ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપે નારાજ મતદાતાઓને મનાવવા માટે મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે આગામી દિવસોમાં આ મહાસંપર્ક અભિયાનમાં કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાવવાના છે.

Previous articleઅમદાવાદ-ઈન્દોર હાઈવે પર અકસ્માત : ૧૩ના મોત
Next articleજિલ્લા સેવાસદન ખાતે મીડીયા કંટ્રોલીંગ -મોનીટરીંગ સેન્ટર કાર્યરત