વડાપ્રધાન મોદી ૨૦ નવેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શરુ કરશે

651
guj11112017-10.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હવે રઘવાયો પક્ષ બની ગયો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે અને તેમને લોકોનું જે સમર્થન મળી રહ્યું છે તેનાથી ભાજપના દિગ્ગજ નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે હવે ભાજપ અમિત શાહ સહિતના નેતાઓ પોતાના પર રહેલો વિશ્વાસ ગુમાવી બેઠા છે અને ફરીવાર ગુજરાતમાં મોદી મેજીકથી ચૂંટણી જીતવાની આશા સેવી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવા માટે ખુદ મોદી આવવાના હોવાથી ભાજપના કાર્યકરો અને ખાસ કરીને મુખ્ય નેતાઓમાં એક વિશ્વાસ પેદા થયો છે કે સૌરાષ્ટ્રમાં સાહેબ બધું સંભાળી લેશે.
સૌરાષ્ટ્રના પ્રત્યેક જિલ્લામાં મોદીની એક રેલી પ્લાન કરવામાં આવી છે. રાજ્યના બે તબક્કાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં એટલે કે ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.પક્ષના ઉચ્ચ સૂત્રો મુજબ આગામી ૨૦ નવેમ્બરથી સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની રેલીઓ યોજાશે. આ પહેલા પક્ષ દ્વારા પોતાના ઉમેદવારની પણ યાદી બહાર પાડી દેવામાં આવશે. જ્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીના વિધાનસભા ક્ષેત્રના પ્રભારી નીતિન ભારદ્વાજે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘એકવાર સૌરાષ્ટ્રની દરેક વિધાનસભા બેઠકના ઉમેદવાર  નક્કી થઈ ગયા બહાદ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં વડાપ્રધાન મોદીની રેલીનું આયોજન કરવામાં આવશે. પક્ષ તરફથી પહેલું લિસ્ટ આગામી ૧૮ નવેમ્બર સુધીમાં બહાર પડી શકે છે.’સૌરાષ્ટ્રમાં પાટીદાર ઉપરાંત રજપૂત સમાજના વિરોધનો પણ ભાજપ સામનો કરી રહ્યું છે. રજપૂત સમાજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના રાજીનામાની માગણી કરી રહ્યો છે. તો ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની શરુઆત રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રના દ્વારકા મંદિરથી કરી હતી. કોંગ્રેસની આ નવસર્જન યાત્રાને સ્થાનિક લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.આગામી વિધાનસભા ચૂંટણીમાં કપરા ચઢાણ જોતા ભાજપે ઘરે-ઘરે પ્રચાર અત્યારથી જ શરુ કરી દીધો છે. જેમાં તેઓ લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરતો પીએમ મોદીનો પત્ર પહોંચાડી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે ગુજરાત અને વિકાસ એકબીજાના પૂરક છે. આ સાથે જ ભાજપ દ્વારા તેમની સરકારની સિદ્ધિઓ ગણાવતી માહિતીના પેમ્ફલેટ પણ વહેચવામાં આવી રહ્યા છે.