બંધ બંગલામાંથી ૧૨ કિલો ચાંદી, રોકડની ચોરી

630
bvn15112017-13.jpg

ભાવનગર શહેર અને જિલ્લામાં તસ્કરો પોલીસની બીક વગર બેફામ બની રોજબરોજ ચોરીને અંજામ આપી રહ્યાં છે. જ્યારે શહેરના છેવાડાના વિસ્તારો મુકી પોશ વિસ્તારમાં ચોરી કરી પોલીસતંત્રને તસ્કરો ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. જેમાં શહેરના વાઘાવાડી રોડ પર દક્ષિણામૂર્તિ સ્કુલની સામે આવેલ બંધ બંગલામાં તસ્કરો ત્રાટકી ૧ર કિલો ચાંદી અને રોકડ મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, વાઘાવાડી રોડ પર દક્ષિણામૂર્તિ સ્કુલની સામે આવેલ શાહ સદનમાં રહેતા વકિલ રાજેશભાઈ શાહ પરિવાર સાથે છેલ્લા આઠ દિવસથી દુબઈ ફરવા ગયા છે. તે દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનની પાછળના ભાગે આવેલ દરવાજો તોડી અંદર પ્રવેશી ઓસરીની જાળી તોડી રૂમમાં રહેલ કબાટમાંથી અને ઉપરના રૂમમાંથી ચાવી વડે તાળુ ખોલી ૧ર કિલો ચાંદી કિ.રૂા.ર૪ હજાર અને રોકડ રૂા.પપ હજાર મળી કુલ રૂા.૭૯ હજારની ચોરી કરી છુમંતર થઈ ગયા હતા. બનાવની જાણ સગા-સંબંધીને થતાં મકાને દોડી આવ્યા હતા અને નિલમબાગ પોલીસમાં જાણ કરાતા પી.આઈ. સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગેની સતીષભાઈ દેવેન્દ્રભાઈ વ્યાસની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.પી. પંડયાએ હાથ ધરી છે. શહેરના પોશ વિસ્તાર એવા વાઘાવાડી રોડ પર છેલ્લા થોડા દિવસોમાં ચોરીની બીજી ઘટના બનવા પામી છે. પહેલા ડો.ટીપનીશના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જો કે પોલીસે તે ગુનો ઉકેલી તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ ચોરીનો બનાવ ક્યારે ઉકેલાશે તે જોવાનું રહ્યું.