૩ લાખથી વધુ ખેડૂતોને આજથી દસ ને બદલે આઠ કલાક વીજળી મળશે

898
gandhi23-11-6.jpg

ખેડૂતોને સિંચાઈ માટે છેલ્લા કેટલાક સમયથી ૧૦ કલાક વીજળી અપાઈ રહી હતી જેમાં સુધારો કરીને ૨ કલાકનો કાપ મુકી  ૮ કલાક કરી દેવામાં આવી છે. આથી યુજીવીસીએલ કંપની હેઠળના ૩ લાખથી વધુ ખેડૂતોને તેની અસર થશે. રાજ્ય સરકારના મતે રવિ પાકોને હવે સિંચાઈની જરૃરિયાત ઘટી રહી છે, જ્યારે ખેડૂતો કહે છે કે અતિવૃષ્ટિને કારણે રવિ સિઝન વિલંબમાં ચાલી રહી હોવાથી સિંચાઈ વધી રહી છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીને વિજ વિભાગથી મળેલી સુચનાને કારણે કૃષિ જોડાણવાળા ગ્રાહકોના વીજ પુરવઠામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત ૫ જિલ્લાના તેમજ કલોલ અને સાબરમતી વિસ્તારના કેટલાક ગ્રાહકો પૈકી ૩ લાખ ૪૨ હજાર ખેડૂતોને આજથી બે કલાકનો વીજકાપ મળશે. એટલે કે તમામ કૃષિ જોડાણવાળા ખેડૂતોને પહેલાની જેમ ૮ કલાક વીજળી મળશે. સુત્રોએ જણાવ્યું હતું કે ૨ કલાક વીજળી ઘટાડવા બાબતે રાજ્ય સરકારનું માનવું છે કે રવિપાકની સિઝનમાં તબક્કાવાર સિંચાઈનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી ૮ કલાક પુરતું છે. જ્યારે આ તરફ અતિવૃષ્ટિ વિસ્તારના ખેડૂતોને રવિ સિઝનનો જીરૃ સહિતનો પાક વિલંબમાં હોવાથી સિંચાઈની જરૃરિયાત તબક્કાવાર વધી છે. હાલની સ્થિતિએ એકાદ-બે કૃષિ પાકને બાદ કરતા મોટાભાગના પાકને સિંચાઈની જરૃરિયાત છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ૯૫ ટકા ખેડૂતો બોરથી સિંચાઈ કરી રહ્યા છે. જ્યારે બાકીના ખેડૂતો નહેર કે અન્ય સ્ત્રોતથી પાણી મેળવી રહ્યા છે. સરકારે વચન ન પાળ્યું આ અંગે મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૧૦ કલાક વીજળી આપવાનું કહેલું છે છતાં પણ રવિ સિઝનને ટાણે ૨ કલાકનો કાપ મુકી દીધો છે. ૧૦ કલાક કહ્યું છતાં સરકારે વચન ન પાળ્યું. ખેડૂતોને મર્યાદિત વીજ પુરવઠો કેમ ? મોટાભાગના ખેડૂતો વ્યક્તિગત બોર બનાવી ભુગર્ભ જળથી સિંચાઈ  કરી રહ્યા છે. જો વીજ પુરવઠો અમર્યાદિત કરી દેવામાં આવે તો ભુગર્ભ જળ ટુંક સમયમાં ખેંચાઈ જાય અને પીવા માટે પણ સંકટ ઉભું થાય તેવા અણસાર છે. 
વીજળી અને ભુગર્ભ પાણીનો જથ્થો દેશમાં મર્યાદિત હોવાથી તેનો ઉપયોગ પણ વિવેકથી કરવો જરૃરી છે.