બહુચરાજી તાલુકાના ચાંદણકી – ઝાંઝરવા વચ્ચે નર્મદા કેનાલમાં મંગળવારે રાત્રે પાણી ભરવા જતાં લપસી પડેલા મિત્રનો જીવ બચાવવા કેનાલમાં કૂદી પડેલો યુવાન જ ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. જેની લાશ ૧૮ કલાક બાદ કાચરોલ પાસેથી મળી આવી હતી.મહેશ વસ્તાભાઇ ભરવાડ (૧૭) અને તેનો મિત્ર રાત્રે ૭-૩૦ વાગે ચાંદણકી- ઝાંઝરવા રોડ પર આવેલી નર્મદા કેનાલે ગયા હતા. જ્યાં એક યુવાન કેનાલમાં પાણી ભરવા ઉતરતાં તેનો પગ લપસતાં અંદર પડી ગયો હતો, જેને બચાવવા મહેશ પણ કૂદી પડ્યો હતો. તેણે યુવાનને તો બચાવી લીધો, પણ પોતે ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ ગામલોકોને થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી કડકડતી ઠંડીમાં પણ આખી રાત શોધખોળ ચલાવી હતી. દરમિયાન, તેની લાશ ૧૮ કલાક બાદ બુધવારે બપોરે ૧૧-૩૦ વાગે કાચરોલ પાસેથી મળી આવી હતી.



















