પાલીતાણા-ગારિ. રોડ પર વદર ગામ પાસે ટ્રક-છકડા વચ્ચે અકસ્માત : મહિલાનું મોત

803
bvn24112017-6.jpg

ગારિયાધાર તાલુકાના ટીંબા ગામેથી ખેતમજુરી કરવા જઈ રહેલ મજુરોને ટ્રકે અડફેટે લેતા ૬ જેટલા શ્રમિકો ઘવાયા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ દલીત મહિલાનું મોત નિપજ્યું હતું. 
સમગ્ર બનાવ અંગે ગારિયાધાર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધારના ટીંબા ગામે રહેતા ૭ થી ૮ જેટલી મહિલાઓ કપાસ વિણવાની મજુરી અર્થે આ જ ગામેથી છકડામાં બેસી વદર ગામે જઈ રહી હતી. સવારમાં ૮-૦૦ વાગ્યાના સુમારે વદર ગામના પાટીયા પાસે મગફળીનું સારોલુ ભરેલ ટ્રક નં.જીજે૧૪ટી ૩૩પ૪ના ચાલકે છકડો નં.જીજે૪ટી ૯૭રરને પાછળથી ટક્કર મારતા છકડો રોડસાઈડમાં પલ્ટી ખાઈ જવા પામ્યો હતો અને જેમાં મુસાફરી કરી રહેલ મહિલા મજુરોને નાની-મોટી ઈજા થવા પામી હતી. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડી નાસી છુટ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત મહિલાઓને પાલીતાણા તથા ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જેમાં પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાંથી ૧૦૮ દ્વારા ભાવનગર લવાઈ રહેલ દલીત વણકર મહિલા જયાબેન પોપટભાઈ ખુમાણ ઉ.વ.૩૦ રહે.ટીંબા ગામવાળાને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોય જેને ભાવનગર પહોંચે તે પૂર્વે જ રસ્તામાં દમ તોડ્યો હતો. જ્યારે અન્ય એક મહિલાને પણ સર ટી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોપટભાઈ આલજીભાઈ ખુમાણે ગારિયાધાર પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

Previous articleશહેરના સાકરબજાર વિસ્તારમાંથી ચોરાઉ ગરમ વસ્ત્રો સાથે શખ્સ ઝડપાયો
Next articleરૂપા એપાર્ટમેન્ટમાં પાણીનો કકળાટ