વડાપ્રધાનના રાજ્યના ૫૦ દિનના પ્રવાસમાં વિકાસની તો કોઇ વાત જ નથી : હાર્દિક

555
GUJ13122017-14.jpg

પાસના યુવા નેતા હાર્દિક પટેલે અમદાવાદમાં ગઇકાલે મેગા રોડ-શો અને વિશાળ જાહેરસભા યોજયા બાદ આજે વડોદરા ખાતે યુવા બેરોજગાર સંમેલન અને વિશાળ રોડ-શો યોજયા હતા. હાર્દિક પટેલનું છાણી વિસ્તારમાં સરદાર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવા બેરોજગાર સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ૫૦ દિવસના પ્રવાસમાં વિકાસની તો કોઇ વાત જ સાંભળવા મળી નથી. તેઓએ ભાજપના ૨૨ વર્ષના શાસનનો વિકાસ તો બતાવ્યો નહી પરંતુ સાહેબે ૨૨ વર્ષના છોકરાની સેક્સ સીડી બતાવવાનો ધંધો માંડયો છે પરંતુ તેનાથી મને કોઇ ફરક પડતો નથી. વડોદરાના
 છાણી વિસ્તારમાં સરદાર ચોક ખાતે ભવ્ય સ્વાગત બાદ અહીંથી હાર્દિક પટેલે પોતાના રોડ શોના શરૂઆત કરી હતી, જે છેવટે સંગમ ચાર રસ્તા ખાતે પહોંચ્યો હતો. જયાં હજારો પાટીદારો સહિત ખૂબ મોટી સંખ્યામાં જનસમુદાય હાર્દિકને સાંભળવા ઉમટયો હતો. હાર્દિક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડોદરાની જનમેદની જોઇને મારૂ મનોબળ વધ્યું છે એટલે સાહેબ જેવુ કહેવાની ઇચ્છા થઇ છે કે, વડોદરા સાથે મારો જૂનો સંબંધ છે. તેણે ઉમેર્યું કે, ગુજરાતમાં વિકાસ ફકત અમદાવાદ અને વડોદરામાં જ થયો હોય તેવું લાગે છે કારણ કે, ગામડાઓ ખાલી થઇ ગયા છે. જીએસટી અને નોટબંધીના કારણે શહેરી વિસ્તારોમાં મોટાપાયે બેરોજગારી વધી છે. વેપાર-ધંધા ઠપ્પ થઇ ગયા છે. 
હાર્દિક પટેલે વડોદરાવાસીઓની લાગણીને સમજીને ભાજપ સરકાર પ્રહાર કર્યા હતા કે, વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટનું હજુ પાંચ ટકા કામ પણ થયું નથી. વડોદરામાં આજે પણ ઘણી બેરોજગારી છે. તો, શિક્ષણક્ષેત્રમાં પણ શિષ્યવૃત્તિ, સબસીડી સહિતના લાભો પૂરતા પ્રમાણમાં અપાતા નથી. ખેડૂતોની હાલત પણ કફોડી છે. ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ અને ટેકાના પૂરતા ભાવ અપાતા નથી કે, નથી અપાતી પાક વીમાની રકમ. ગુજરાતમાં વિકાસની વાતો બહુ મોટી મોટી થાય છે પરંતુ તેની વાસ્તવિક અમલવારી કયાંય સામે દેખાતી નથી.