પરિણામો બાદ હારજીતનું પોસ્ટમોર્ટમ બંન્ને પક્ષો કરી રહ્યા છે

1188
gandhi21122017-5.jpg

પરિણામો આવ્યા બાદ માહોલ શાંત થઈ ગયો છે પરંતુ બેઠકો દીઠ હારજીતના સમીકરણો માટે ચર્ચાઓને જોર પકડયું છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર પણ ત્રણમાં કોંગ્રેસ અને બેમાં ભાજપે વિજય હાંસલ કર્યો છે પરંતુ આ બન્ને પક્ષોએ જીતેલી અને હારેલી બેઠકોના ગણિત જાણવા માટેના પોસ્ટમોર્ટમ પણ શરૃ કરી દીધા છે. આવનારી ચૂંટણીઓમાં ભૂલોનું પુનરાવર્તન ના થાય જોકે  તમામ બેઠકોમાં હાર પાછળ પક્ષોમાં આંતરિક અસંતોષ વધારે કારણભૂત માનવામાં આવી રહયો છે. જેથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર કાર્યકરો અને નેતાઓની યાદી પણ તૈયાર કરવામાં આવશે.   
વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લા બે મહિનાથી રાજકીય પક્ષો મથી રહયા હતા અને મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે પણ ચૂંટણીની રાહ જોઈને બેઠા હતા. ગુજરાતમાં આ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની હતી. કેમકે તેના પરિણામો આગામી લોકસભાની ચૂંટણી ઉપર અસર કરવાના હતા. ગાંધીનગર જિલ્લામાં પણ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે ઘણા મહિનાઓથી આંતરિક તૈયારીઓ શરૃ કરી હતી. જેના ભાગરૃપે સૌપ્રથમ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતાં પક્ષના કાર્યકરો અને નેતાઓ પાસેથી સેન્સ લેવામાં આવી હતી અને ત્યારબાદ ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓના બાયોડેટા પણ મેળવવામાં આવ્યા હતા. 
ભાજપ અને કોંગ્રેસે પોતાના પાંચ-પાંચ ઉમેદવારો જાહેર કરી દીધા બાદ ટીકીટ નહીં મળનાર નેતાઓ તેમના સમર્થકો સાથે ચૂંટણીમાં સક્રિય નહીં રહે તે બન્ને પક્ષોને અંદાજ હતો પરંતુ ચૂંટણીના સમયમાં તેમની સામે કોઈ પગલાં ભરી શકાય તેવી સ્થિતિ પણ હતી નહીં ત્યારે ગઈકાલે ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકના પરિણામ આવી ગયા હતા. જેમાં ત્રણ બેઠક કોંગ્રેસે હાંસલ કરી અને બે બેઠક ભાજપે જીતી લીધી છે. ત્યારે હવે આ બેઠકો ઉપર હારજીત માટેના કયા સમીકરણો કામ કરી ગયા તે માટે પક્ષોએ પોસ્ટમોર્ટમ શરૃ કર્યું છે. 
પક્ષમાં આંતરિક અસંતોષની સાથે પક્ષવિરૃધ્ધ પ્રવૃતિ કરનાર નેતાઓ અને કાર્યકરોની યાદી તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવશે. બેઠક દીઠ સમીકરણો પણ નજર કરવામાં આવે તો દહેગામ બેઠકમાં ભાજપ જીત્યુ છે પણ આ બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ધારસભ્યને રીપીટ કર્યા હતા. જેથી સ્થાનિક નેતાઓ અને કાર્યક્રરોમાં તેમની સામે રોષ હતો અને ચૂંટણીમાં જોઈએ તે પ્રકારે સંગઠનમાંથી મદદ નહીં મળતાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે તો ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપ જીત્યુ છે અને કોંગ્રેસ હાર્યુ છે. 
આ બેઠક ઉપર ઠાકોર સેનાના ગોવિંદજી સોલંકીને ટીકીટ આપી ત્યારથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. સંગઠને પણ જોઈએ તે પ્રકારે મદદ કરી નહોતી. તો ગાંધીનગર ઉત્તર બેઠકમાં પણ ભાજપે ધારાસભ્યને રીપીટ કર્યા હતા તેમ છતાં આ બેઠક કોંગ્રેસે હાંસલ કરી લીધી હતી. ગાંધીનગર ઉત્તરની આ બેઠકમાં ચૂંટણી ટાણે ભાજપમાં જોઈએ તેવો માહોલ જોવા મળ્યો નહોતો અને મોટાભાગના નેતાઓ નિષ્ક્રિય રહયા હતા અથવા તો પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં વ્યસ્ત હતા જેના કારણે ભાજપે આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. તો માણસા બેઠકમાં પણ આવું જ હતું. 
આ બેઠક ઉપર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટીકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસ આ બેઠક જીતી ગયું છે જેથી ભાજપના સંગઠન આયાતી ઉમેદવારને પુરતી મદદ કરી નહોતી. તેમ છતાં પોતાના બળે ભાજપના ઉમેદવારે કોંગ્રેસને જીતતા-જીતતા દમ લાવી દીધો હતો. તો કલોલની બેઠકમાં પણ કોંગ્રેસે પોતાના ધારાસભ્યને રીપીટ કર્યા હતા સામે પક્ષે ભાજપે પણ ગત ટર્મના હારેલા ઉમેદવારોને રીપીટ કરતાં પક્ષમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. જેના કારણે ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. 
આ તમામ બેઠકો ઉપર બન્ને પક્ષોએ શરૃ કરેલા પોસ્ટમોર્ટમ બાદ આવનારા સમયમાં નિષ્ક્રિય અને પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર નેતાઓ અને કાર્યકરો ઉપર પસ્તાળ પડશે તે નક્કી છે.

Previous articleગુજરાતનો પ્રથમ સૌર બસમથક પ્રોજેક્ટ પડતો મુકાયો
Next articleલાભુભાઈ સોનાણી લિખીત પુસ્તક અંતર્ગત કાલે વકૃત્વ સ્પર્ધા યોજાશે