રૂપાણી મુખ્યમંત્રી પદે યથાવત્‌

812
GUJ23122017-9.jpg

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળો અને સસ્પેન્સનો આજે અંત આવ્યો હતો. વિજય રૂપાણી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને ફરી એકવાર તેમને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય કરાયો છે. વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે અને નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
આજે અનેક પ્રકારની ઉત્સુકતા વચ્ચે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક કમલમ ખાતે યોજાઈ હતી જેમાં સર્વસંમતિથી વિજય રૂપાણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના નામનું સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામે સમર્થન આપ્યું હતું. પાર્ટીમાં વાતચીત કરવાની પ્રક્રિયા જારી રાખવામાં આવી છે. પત્રકારો સાથે વાતચીતમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, જો તેમની પાસે કોઇ વિકલ્પ છે તો નામ સૂચવી શકે છે પરંતુ કોઇ નામ સુચવવામાં આવ્યા ન હતા જેથી રૂપાણી અને નીતિન પટેલ સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, શપથવિધિને લઇને પ્રાથમિક તૈયારીઓ શરૂ કરવામાં આવી ચુકી છે. નાણામંત્રી અરુણ જેટલી અને ભાજપના જનરલ સેક્રેટરી સરોજ પાંડેની દેખરેખ હેઠળ ગુજરાતના નવા મુખ્યમંત્રી પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેટલી અને પાંડેની નિમણૂંક પાર્ટીની કેન્દ્રીય નેતાગીરી દ્વારા નિરીક્ષક તરીકે કરવામાં આવી હતી. ગુરુવારના દિવસે રાજ્યપાલ ઓપી કોહલીને રૂપાણી, નીતિન પટેલ અને અન્યોએ તેમના રાજીનામા સોંપી દીધા હતા. હાલમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ રાજ્ય વિધાનસભાને વિખેરી નાંખવામાં આવી હતી. રાજ્યપાલ દ્વારા જાહેરનામુ પણ જારી કરવામાં આવ્યું હતું. 
    આની સાથે જ નવી કેબિનેટની રચનાનો માર્ગ મોકળો થયો હતો. જો કે રૂપાણી નવી સરકારની રચના સુધી રખેવાળ મુખ્યમંત્રી તરીકે રહેશે. હાલમાં જ યોજાયેલી હાઈવોલ્ટેજ અને હાઈપ્રોફાઇલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખુબ જ ગળાકાપ સ્પર્ધા રહ્યા બાદ ભાજપે ૧૮૨ બેઠકોની વિધાનસભામાં ૯૯ સીટ જીતીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. ત્રણ અપક્ષ સહિત ૬ સીટો અન્યોને ફાળે ગઇ હતી. મુખ્યમંત્રી તરીકે રૂપાણી પહેલાથી જ પ્રબળ દાવેદાર તરીકે હતા. આ ગાળા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાના નામ પણ સપાટી ઉપર આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ૨૫મી ડિસેમ્બરના દિવસે નવી સરકાર સત્તા સંભાળે તેવી શક્યતા છે. ૨૫મી ડિસેમ્બર દિવસે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. શપથવિધિ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ, કેન્દ્રીયમંત્રીઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આજે સવારથી જ મુખ્યમંત્રીના નામને લઇને ચર્ચા ચાલી રહી હતી. આજે મળેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં બે નિરીક્ષકો ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્યરીતે વિધાનસભા પક્ષની બેઠકમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી અને નિરીક્ષકો ઉપસ્થિત હોય છે. અપક્ષ ઉમેદવારી કરીને જીતેલા લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ પણ કમલમ પહોંચ્યા હતા. તેઓ પહેલાથી જ ભાજપને બિનશરતી સમર્થન આપવાની વાત કરી ચુક્યા છે. 

વિજય રૂપાણી પ્રોફાઇલ
•  વિજય રૂપાણી બીજી ઓગસ્ટ ૧૯૫૬માં રંગૂનમાં જન્મ્યા હતા
•     ૧૯૬૦માં પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા
•     વિદ્યાર્થી કાર્યકાળથી જ સામાજિક સેવા સાથે જોડાયેલા રહ્યા છે
•     બીએેએલએલબી સુધી અભ્યાસ કર્યો છે
•     ૧૯૮૮થી ૧૯૯૫ દરમિયાન રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહ્યા
• ૨૦૦૬માં ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમમાં રહ્યા હતા