પૂ.બાપાની પૂણ્યતિથિ નિમિત્તે આજે બગદાણામાં ઉમટશે હજારો ભાવિકો

802
bhav5-1-2018-4.jpg

પૂ.બજરંગદાસબાપાની તપોભૂમિ ગુરૂઆશ્રમ બગદાણા (તા.મહુવા, જિ.ભાવનગર) ખાતે ગુરૂદેવ બજરંગદાસબાપાની ૪૧મી પૂણ્યતિથિ મહોત્સવ આજે તા.પને શુક્રવારે ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે પૂ.બાપાના ચરણોમાં શિશ નમાવવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો પધારશે.
પૂણ્યતિથિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સર્વત્ર શ્રધ્ધા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. આજે અહીં વહેલી સવારના પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થશે. મંગળા આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ, ગુરૂપૂજન તેમજ પૂ.બાપાની નગરયાત્રા યોજાશે. ભોજન પ્રસાદ સવારના ૧૦ કલાકથી શરૂ થશે.
સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ સ્વયંસેવકો દ્વારા આગોતરી તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો હતો. કાલે ગુરૂવારના સંધ્યા આરતીમાં પણ મોટીસંખ્યામાં ભાવિકો સામેલ થયા હતા. સમગ્ર મહોત્સવ વેળાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. મહુવા એએસપી બી.યુ. જાડેજાના જણાવ્યા પ્રમાણે એક પી.આઈ., આઠ પીએસઆઈ, એકસો હે.કો. અને પો.કો., નેવું હોમગાર્ડ, વીશ મહિલા હોમગાર્ડ, પંદર મહિલા પોલીસ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે તેમજ એક એમ્બ્યુલન્સ તથા બે ફાયર ફાઈટરની પણ સેવા ઉપલબ્ધ બનશે.
વાહન પાર્કિંગ માટે પણ આશ્રમની બન્ને તરફ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ખાસ બગદાણા તરફથી જતા રાળગોન ગામ ખાતે બાયપાસ કામચલાઉ રસ્તેથી વાહનો પસાર થશે. અહીં બગદાણા તરફથી ઠળીયા-ઠાડચ ગામ તરફ જતા વાહનો માટે આ એકમાર્ગીય રસ્તેથી ટ્રાફિક નિયમન થશે.

Previous article ફી નિયમન મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદન
Next article સિહોર પ્રા.શાળાના બાળકો વિજ્ઞાનનગરીની મુલાકાતે