જાન્યુ. અંતમાં વિધાનસભાની મળશે બેઠક, નવા અધ્યક્ષની યોજાશે ચૂંટણી

937
gandhi712018-5.jpg

ગુજરાતમાં પાતળી બહુમતી સાથે બનેલી રૂપાણી સરકારને પ્રથમ વિધાનસભા બેઠક કમૂરતા બાદ જાન્યુઆરીના અંતમાં મળશે. બે દિવસ મળનારી આ બેઠકમાં વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી અને ધારાસભ્યોની શપથવિધિ યોજાશે.
આ બેઠક પૂર્વે ગુજરાત વિધાનસભાના પ્રોટ્ટેમ અધ્યક્ષ તરીકે સૌથી વધુ વયના ધારાસભ્યને નિમણૂંક કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ ૭૩ વર્ષની વયના ધારાસભ્ય ઠક્કરબાપાનગર સીટ પરથી ભાજપના વલ્લભ કાકડીયા છે.
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ફરીથી તમામ ૧૮૨ ધારાસભ્યો ચૂંટાયા છે. જેઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ધારાસભ્યોની શપથવિધિ બાકી રહી ગઈ છે. તેથી હાલ કમૂરતા ચાલતા હોવાથી જાન્યુઆરીના અંતમાં વિધાન સભાની બે દિવસની ખાસ બેઠક બોલાવવામાં આવશે. 
આ બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિની સાથે તેઓને મળતાં પગારભથ્થાં અને લાભો શપથવિધિ બાદ મળતાં થશે. તેથી આ બેઠક વિધાન સભાના બેઠક સત્ર પૂર્વે બોલાવી લેવામાં આવશે. વિધાનસભાની આ બેઠકની બંધારણીય પ્રક્રિયા મુજબ ગુજરાતના રાજ્યપાલ દ્વારા સૌથી વધુ વયના ધારાસભ્યને પ્રોટ્ટમ સ્પીકર તરીકે વરણી કરવામાં આવશે.
જેની શપથવિધિ રાજ્યપાલ દ્વારા થશે. ત્યારબાદ વિધાનસભા દ્વારા શપથવિધિની ખાસ બેઠક બોલાવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ બે દિવસની બેઠકની કામગીરીમાં સૌ પ્રથમ પ્રોટ્ટમ સ્પીકર દ્વારા વિધાનસભાના નવા સ્પીકરની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ બેઠકના બીજા દિવસે અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 
જેમાં અધ્યક્ષ તરીકેની ચૂંટણીમાં એક કરતાં વધુ ઉમેદવારોએ ફોર્મ ફર્યા હશે તો મતદાન કરવામાં આવશે. નહીં તો એક જ ફોર્મ ભરનારને બિનહરીફ જાહેર કરવામાં આવશે. તે પછી નવા ચૂંટાયેલા અધ્યક્ષ દ્વારા ધારાસભ્યોની શપથવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ થયો રૂ. રર૦ કરોડઃ બજેટ કરતા ૧૦ કરોડ વધુ 
હાલમાં જ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચનો આંકડો રર૦ કરોડ પહોંચ્યો છેઃ ચૂંટણી માટે રાજયના સામાન્ય વહીવટી વિભાગ તરફથી અગાઉ ર૧૦ કરોડની રકમ ફાળવવામાં આવી હતી પરંતુ ૧૦ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થવાના કારણે ચૂંટણી પંચે આ માટે વિભાગ મારફત આ દરખાસ્ત નાણા મંત્રાલયને કરી છે જેને મંજુરી મળી જશેઃ આ વખતે વીવીપેટ, સીસીટીવી, સર્વેલન્સ, વેબકાસ્ટીંગ સુરક્ષાને લઇને વધુ ખર્ચ થયો છે.

Previous articleમનપા દ્વારા ઘરદીઠ બે ડસ્ટબીનની વહેચણી શરૂ કરાઈ
Next articleબોરાટ સમાજ સંરક્ષણ ઉથ્થાન અર્થે સંગઠન નિર્માનો આરંભ કરાયો