અંધશાળાની વિદ્યાર્થીની રાજ્યકક્ષાની અંધ મહિલાઓની વાનગી સ્પર્ધામાં પ્રથમ સ્થાને

724
bhav6-2-2018-4.jpg

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ૩ ફેબ્રુઆરી, શનિવારના રોજ સ્વ.વિનોદાબેન કે. શાહ અખિલ ગુજરાત અંધ મહિલા વાનગી સ્પર્ધાના નવમાં એડિશનમાં ભાવેણાની અગ્રણી સામાજિક સંસ્થા કૃષ્ણકુમારસિંહજી ઉદ્યોગ શાળાની વિદ્યાર્થીની મકવાણા નિધિ દિનેશભાઈએ સંપૂર્ણ અંધ મહિલાના વિભાગની સ્પર્ધામાં પોતાની સુંદર રસોઈની સુવાસ ફેલાવી પ્રથમ સ્થાન હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે. 
જે શાળા પરિવાર અને સમગ્ર જિલ્લા માટે ગૌરવરૂપ બાબત છે. અત્રે એ નોંધવું ઘટે કે નિધિ સંપૂર્ણપણે અંધ હોવા છતાં પણ સ્પર્ધા દરમ્યાન ભરેલા મરચા, બાજરાનો રોટલો અને કઢી-ખીચડી જેવી સ્વાદિષ્ટ કાઠીયાવાડી વાનગીઓ બનાવી હતી. સમગ્ર સ્પર્ધામાં ૪૬ સંપૂર્ણ અંધ અને ૬પ અલ્પદ્રષ્ટિ ધરાવતી વિદ્યાર્થીનીઓ સહિત કુલ ૧૧૦ વિદ્યાર્થીનીઓએ સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો હતો. કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા સંચાલિત નિષ્ઠા હોમ સાયન્સ સેન્ટરમાં તજજ્ઞ શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની નીધીએ રસોઈની ટ્રેનીંગ લીધી છે. આ સેન્ટરના સંચાલિકા નિલાબેન એલ. સોનાણીએ આ પ્રસંગે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેઓએ જણાવ્યું હતું કે, નિષ્ઠા હોમ સાયન્સ સેન્ટર તેના પ્રારંભથી જ અવિરત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. 
આ સ્પર્ધામાં વિજેતા થવા બદલ પ્રથમ ક્રમે આવનાર પ્રજ્ઞાચક્ષુ દિકરી નિધિ દિનેશભાઈ મકવાણાને રૂપિયા પાંચ હજારનું રોકડ ઈનામ તથા પ્રમાણપત્ર તેમજ સંસ્થાને ટ્રોફી એનાયત કરવામાં આવ્યું છે.
 આ પ્રસંગે વિદ્યાર્થી અને તેની સમગ્ર ટીમને સંસ્થાના સંચાલક મંડળ વતી લાભુભાઈ સોનાણીએ શુભેચ્છા પાઠવેલ છે.

Previous article પ્રજ્ઞાચક્ષુઓની આંગળીના ટેરવે ઉજાસ
Next article સૌરાષ્ટ્ર ચેમ્બર હોલ ખાતે કેન્દ્રીય બજેટના વિશ્લેષણ અંગે મુકેશ પટેલનું વ્યાખ્યાન યોજાયું