ગુરૂકુલની સ્કૂલમાં બાળકોને ફેઈલ કરવા ધમકી અપાયાનો વાલીઓનો આક્ષેપ

805
gandhi2522018-3.jpg

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઇકાલે કરેલા જે સ્કૂલમાં ફી નક્કી થઇ નથી ત્યાં કામચલાઉ ફી સ્કૂલો લઇ શકશે. તેવા નિવેદન બાદ શાળાઓએ પ્રોવિસનલ ફી માગતા વાલીઓમાં વિરોધ શરૂ થયો છે. ગાંધીનગરના સેકટર ૨૩માં આવેલી શ્રી સ્વામીનારાયણ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને વધારાની ફી ન લેવા માંગ કરવા સાથે સંચાલકો દ્વારા બાળકોને પરીક્ષામાં નપાસ કરવા ધમકી અપાયાનો આક્ષેપ કર્યો હતો.દરમિયાન પ્રિન્સિપાલે વાલીઓની બેઠક બોલાવીને ફી મુદ્દે શાળા દ્વારા સુપ્રિમ કોર્ટ નિર્ણય કરે બાદ ફી પરત કરવાની બાહેંધરી આપતાં મામલો શાંત પડ્‌યો હતો. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યુ હતું કે, અમે બાળકોને પ્રોવિસનલ ફી માટે ચિઠ્ઠી આપતા વાલીઓ અમારી પાસે રજુઆત કરવા આવ્યા હતાં. સુપ્રિમ કોર્ટ અને સરકારના નિયમો અનુસાર અમે ફી લઇ રહ્યા છીએ. 
વાલી મંડળના આગેવાનોએ જણાવ્યુ કે, સુપ્રિમ કોર્ટ અને સરકારે નક્કી કર્યા પ્રમાણેના સ્લેબ મુજબ વાલીઓએ ફી ભરી છે. પરંતુ શાળા હવે વધારાના ૮ હજાર અને ૧૨ હજાર ફી માગે છે. ફી માટે વિદ્યાર્થીઓને ટોર્ચર કરાય છે. તેમને ક્લાસ વચ્ચે ઉભા કરીને તમારી ફી બાકી છે અને ફી નહીં ભરવામાં આવે તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય તેવી ધમકી આપીને હેરાન કરાય છે. આ મુદ્દે શુક્રવારે વાલીઓ ભેગા મળીને રજુઆત કરી હતી કે જે લોકોની ફી ૧૫ હજાર નથી થઇ તેમાં ઘટતી સંપૂર્ણ રકમ આપી દેવાશે. ૧૫ હજાર સિવાયની ફી માટે સરકાર નિર્ણય કરે ત્યારે ભરવાનું કહ્યુ હતું. 
જો તે ફી લેવી હોય તો તે માટે વાલીઓ ચેક આપશે. પરંતુ સંચાલકોએ ફી રોકડમાં જ ભરવાનું કહ્યુ હતું અને સરકાર જે નક્કી કરે તેમાં વધ-ઘટ રીફંડ કરવાનું કહ્યુ હતું. જ્યારે વાલીઓએ આ લેખિતમાં લેટર પેડ પર માંગણી કરી હતી. જેનો શાળા સંચાલકોએ વિરોધ કર્યો હતો. 
શાળા કેમ્પસમાં સવારથી વાલીઓને પ્રવેશ અપાયો ન હતો. શાળા સંચાલકો મુખ્ય ગેટથી એકલા બાળકોને જ પ્રવેશ આપતાં હતાં. સામાન્ય દિવસોમાં વાલીઓને સ્કૂલ પાસે જવા દેવાય છે. પરંતુ શુક્રવારે સવારથી ગેટ પર પ્રાઇવેટ સિક્યુરીટી તૈનાત કરી દેવાઇ હતી. પ્રિન્સિપાલેે જણાવ્યુ હતું કે, અત્યારે જે પ્રોવિઝનલ ફી ભરવાની છે તે ફી ભરવા વાલીઓને જણાવ્યુ હતું અને જે પણ ચુકાદો આવશે તે મુજબ રીફંડ અપાશે. ફીની રિસિપ્ટ પાછળ અમે રીફંડ અંગે લખાણ લખવાની બાહેંધરી આપી હતી. સરકારે કહ્યુ છે કે ફી નક્કી નથી થઇ તે શાળા પ્રોવિઝનલ ફી લઇ શકે છે.