જાળીયા ગામે ઘઉં સળગાવાયાના મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા દલીતો દ્વારા ચક્કાજામ

1331
bvn432018-13.jpg

ગત દિવસોમાં ગારિયાધાર તાલુકાના જાળીયા ગામે રહેતા હકાભાઈ નથુભાઈ ગોહેલ (દલીત) ઉ.વ.૭૦ની વાડીમાં રહેલા ર૦૦ મણ ઘઉંનો જથ્થો આ ૪ ગામના કેટલાક શખ્સો દ્વારા ભૂતકાળના દિવસોમાં થયેલ પોલીસ ફરિયાદની દાઝ રાખીને સળગાવી દઈ નુકશાન કરેલ. જે મુદ્દે ગારિયાધાર પોલીસમાં હકાભાઈ ગોહિલ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવેલ. પરંતુ બનાવની આરોપીઓની અટક ન કરાતા ગારિયાધાર અનુસુચિત જાતિ સંગઠન દ્વારા રોષે ભરાઈને ગારિયાધાર બસ સ્ટેન્ડ ખાતે તા.રના રોજ સવારે દલીત સમાજને એકઠા કરીને મુદ્દે પ્રદર્શન કરાયેલ અને વાહન વ્યવહાર બંધ કરાવાયેલ. જ્યારે આ પ્રદર્શન દરમ્યાન એસ.ટી. તંત્રના પણ પૈડા થંભી ગયા હતા. જ્યારે સાથોસાથ તંત્રને પણ દલીત સમાજના આગેવાનો દ્વારા બે દિવસનું અલ્ટીમેટમ આપીને જણાવાયું હતું કે તા.પ સુધીમાં આ મુદ્દે કોઈ પોલીસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ કેસના ફરિયાદી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરશે.
જ્યારે મામલો વધુ ઉગ્ર ન બને અને કાયદો વ્યવસ્થા ડહોળાઈ નહીં તેવા હેતુથી ડીવાયએસપી પાલીતાણા, પીએસઆઈ ગારિયાધાર તથા સમગ્ર પોલીસ કાફલાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ તંત્ર દ્વારા દલીત સમાજના આગેવાનોને ખાતરી આપવામાં આવેલ કે તા.પ સુધી આ કેસના ગુનેગારોને પકડીને ફરિયાદીને સંતોષ થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવી બાહેંધરી મળતા દલીત સમાજના આગેવાનો દ્વારા ચક્કાજામ આંદોલન સમેટી લેવાયું હતું. આમ પોલીસ તંત્ર દ્વારા ખાતરી મળતા દલીત સમાજ દ્વારા બે દિવસનું અલ્ટીમેટમ આપીને આંદોલન સમેટી લેવાયું પરંતુ હવે આગામી દિવસોમાં મુદ્દે શું કાર્યવાહી થશે ? તે જોવું રહ્યું.