તોગડિયા, બાબુ જમના સહિત ૯ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર

896
guj612018-4.jpg

ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ૧૯૯૬ના સરદાર પટેલ સ્ટેડિયમમાં સર્જાયેલા ધોતિયાકાંડના કેસમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા, ભાજપના ધારાસભ્ય બાબુ જમનાપટેલ સહિત ૩૯ આરોપીઓ સામે ગઇકાલે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેેટ કોર્ટે જારી કરેલા બિનજામીનપાત્ર વોરંટને પગલે આજે વિહિપના ડો.પ્રવીણ તોગડિયા, બાબુ જમનાદાસ પટેલ  સહિતના નવ આરોપીઓ મેટ્રોપોલીટન કોર્ટમાં રૂબરૂ હાજર થયા હતા. એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.એ.બારોટે આ તમામ આરોપીઓ તરફથી વોરંટ રદ કરવા કરાયેલી વિનંતીને માન્ય રાખી તમામ વિરૂધ્ધના વોરંટ રદ કર્યા હતા અને આ નવ આરોપીઓને રૂ.૧૫ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૩૦મી જાન્યુઆરીના રોજ મુકરર કરી હતી. છેલ્લા ૨૧ વર્ષોથી આ કેસ પડતર હતો અને હવે ફરી ચાલવા પર આવતાં તેમાં બહુ મહત્વનું ડેવલપમેન્ટ થયું છે.  મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા ડો. પ્રવીણ તોગડિયા સહિતના ૩૯ આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોંરટ જારી કરાયું હતુ, તે પૈકી આજે ડો.પ્રવીણ તોગડિયા, બાબુ જમના પટેલ, ઇલેશ પટેલ, ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, એડવોકેટ મીનેશ વાઘેલા,જયેન્દ્રસિંહ વાઘેલા, અરવિંદ પટેલ અને નીતિન પટેલ એમ કુલ નવ આરોપીઓ આજે મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહ્યા હતા.
 ડો.તોગડિયા સહિતના આરોપીઓ તરફથી અદાલતને વિનંતી કરવામાં આવી હતી કે, તેમને આ કેસની કોઇ જાણ જ ન હતી કે તેની તારીખની પણ તેમને જાણકારી ન હતી. તેઓની વિરૂધ્ધ અદાલતે જારી કરેલા વોરંટને પગલે જ તેમને કેસના ડેવલપેન્ટની જાણ થઇ છે અને અદાલતના વોરટંને માન આપી તેઓ કોર્ટ સમક્ષ હાજર થયા છે, જેથી કોર્ટે હવે તમામ આરોપીઓના વોરંટ રદ કરવા જોઇએ. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી આ નવ આરોપીઓના વોરંટ રદ કર્યા હતા અને તમામને રૂ.૧૫હજારના જામીન પર મુકત કર્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારા આ કેસની વિગતો એવી છે કે, શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના વિજય બાદ વિશાળ રેલી યોજાઇ હતી અને બાદમાં તે સરદાર પટેલ સ્ટેડિયમમાં જાહેરસભામાં ફેરવાઇ હતી. આ સમારંભ દરમ્યાન ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ સહિત ભાજપના અન્ય સિનિયર નેતાઓ પર આરોપીઓ દ્વારા હુમલો કરી હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં આત્મારામ પટેલનું ધોતિયુ કાઢી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના ગુજરાતના રાજકારણની સમગ્ર દેશમાં ભારે નિંદા થઇ હતી અને છબી પણ ખરડાઇ હતી.  ઉલ્લેખનીય છે કે, જેમની પર હુમલો થયો તે તમામ નેતાઓ શંકરસિંહ વાઘેલાના ટેકેદારો હતા અને ભાજપમાં બળવો થતાં તેઓ વાઘેલા સાથે મધ્યપ્રદેશના ખજૂરાહો ગયા હતા. જેના કારણે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીક ગણાતા ભાજપના આ જૂથે ખજૂરાહો ગયેલા નેતાઓને બદલો લેવા માટે તેમની પર હુમલો કર્યો હતો. જેમાં ભરી સભા અને જાહેરમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતિયુ કાઢી તેમને માર મારવામાં આવ્યો હતો. ચકચારભર્યા આ પ્રકરણમાં એડવોકેટ જગરૂપસિંહ રાજપૂત ફરિયાદી બન્યા હતા. આ સમગ્ર કેસમાં સૌપ્રથમ ફરિયાદ નારણપુરા પોલીસમથકમાં નોંધાઇ હતી, બાદમાં તેની તપાસ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ કેસમાં અનેક વખત સમન્સ નીકળવા છતાં એક પણ આરોપી હાજર રહ્યા ન હતા, જેની કોર્ટે ગંભીર નોધ લીધી હતી અને આજે આખરે તમામ આરોપીઓ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એવા આ કેસમાં પોલીસે કરેલા ચાર્જશીટમાં હજુ ત્રણ આરોપીઓને ફરાર દર્શાવેલા છે, જેમાં ડો. એ.કે.પટેલ, નીરવ શાહ અને મંગળદાસ પટેલનો સમાવેશ થાય છે.
બીજીબાજુ, આ કેસ ફરી શરૂ કરવા પાછળ રાજકીય કારણ હોવાનું પણ ગુજરાતના રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા વચ્ચેના સંબૅંધો વણસેલા છે. તાજેતરમાં ભુવનેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદના નવા પ્રમુખ પસંદ કરવા માટે ચૂંટણી પણ થઇ હતી, જેમાં સંઘના નેતાઓની હાર થઇ હતી અને ડો.પ્રવીણ તોગડિયા ફરી ચૂંટાઇ આવ્યા હતા, જેના પ્રત્યાઘાતરૂપે આ કેસ ફરી શરૂ કરાયો હોવાની જોરદાર ચર્ચા ચાલી છે.

Previous articleસરકારે ગુજરાતમાં ૬.૫૭ લાખ ટન મગફળીની ખરીદી કરી
Next articleવડોદરાના પૂર્વ મેયરે સલમાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી